પપૈયાની ખેતી આવી રીતે કરશો તો કમાશો લાખો રુપિયા :- ફળપાકોમાં પપૈયાનો પાક મોખરાનું સ્થાન ધરાવે છે. આ પાક ટુંકા સમયગાળામાં વધારે ઉત્પાદન આપી પપૈયાની ખેતી વધુ આર્થિક વળતર રળી આપતો હોવાથી દેશ અને દુનિયાના બાગાયતદારોમાં જાણીતો અને માનીતો થયો છે.પપૈયાના ફળોની ઔષધિય તેમજ ઔધોગિક ઉપયોગીતા ઘણી છે. કેરી પછી પપૈયામાં વિટામીન એ નું પ્રમાણ વિશેષ હોય છે. ઉપરાંત ફળોમાં શર્કરાનું પ્રમાણ ૯.૫ ટકા જયારે લોહ તત્વ ૦.૪ ટકા જેટલું હોય છે. તાજા અને પાકાં ફળ ખાવાના ઉપયોગમાં આવે છે. કાચા ફળના દૂધમાંથી પેપીન તૈયાર કરી શકાય છે, જેમાં ઔષધિય ગુણો છે. આ પેપીન એક સક્રિય ઉત્સેચક છે. અને દેખાવે તે પ્રાણીઓના પેપ્સીનને મળતું છે. તદઉપરાંત ટેનીનનો રેશમ અને ઉન ઉધોગમાં પણ ઉપયોગ થાય.
પપૈયાની ખેતી માટે જમીન પસંદગી
પપૈયાની ખેતી માંથી હેકટર દીઠ વધુ ઉત્પાદન મળતું હોવાથી તેની ખેતી માટે ફળદુપ, સારા નિતારવાળી અને વધારે સેન્દ્રિય તત્વ ધરાવતી જમીનની જરૂરીયાત રહે છે. મધ્યમ કાળી, ગોરાડુ તેમજ બેસર જમીનમાં આ પાક સારો થાય છે. પપૈયાના મૂળ પોચા પ્રકારના હોવાથી ભારે કાળી, ચીકણી કે નબળા નિતારવાળી જમીનમાં થડના કોહવારાનો રોગ લાગી જાય છે. જેથી આવી જમીન પપૈયાની ખેતી માટે પસંદ કરવી નહી.
પપૈયાની ખેતી માટે હવામાન કેવુ હોવુ જોઈએ ?
પપૈયાનો પાક ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ કટિબંધના ગરમ અને ભેજવાળા હવામાનમાં સફળતા પૂર્વક ઉગાડી શકાય છે. સરેરાશ ઓછો વરસાદ હોય તો પણ પાક સારો થાય છે. સૂકા હવામાનમાં ફળ મીઠાં થાય છે. જયારે ભારે વરસાદ અને સતત ભેજવાળું હવામાન ઉત્પાદન અને ફળની મીઠાશ ઘટાડે છે. ૧૦૦ સે.થી નીચું અને ૪૩૦ સે. થી ઉંચું ઉષ્ણતામાન આ પાક માટે હાનિકર્તા છે. ભારે પવનથી છોડને નુકશાન થવાની શકયતા રહે છે.
પપૈયાની ખેતી માટે બિયારણની જાતો
પપૈયાની ઘણી જાતો વાવેતર હેઠળ છે. પરંતુ આ પાક પરપરાગીત હોવાથી અને બીજ ધ્વારા સંવર્ધન થતું હોવાથી પપૈયાની જાતો અસલ જાત તરીકે લાંબો સમય ટકાવી રાખવી મુશ્કેલ છે. પપૈયાના વાવેતર માટે નીચેની જાતો સારી છે.
૧. મધુબિંદુ : ગુજરાતમાં વવાતી આ જાતના બીજમાં નરછોડ નીકળવાનું પ્રમાણ ઓછું હોય છે. છોડ મધ્યમ ઉંચાઈના હોય છે. છોડની ઉત્પાદન શકિત ઘણી સારી, ફળમાં બીજનું પ્રમાણ ઓછું, ફળ મીઠાં અને સ્વાદિષ્ટ હોય છે. ફળ જમીનથી ૩૦ થી ૪૫ સે.મી. જેટલી ઊંચાઈએથી બેસે છે. હેકટરે ૩૦ થી ૩૫ ટન જેટલું ઉત્પાદન મળે છે.
૨. કુર્ગહનીડયુ : મધુબિંદુ જાતમાંથી કુદરતી રીતે કુર્ગ ખાતેથી મળી આવેલ ઉત્તમ છોડમાંથી વિકસાવેલ આ જાત છે. આ જાતમાં ઉભયલીંગી તેમજ માદા પ્રકારના છોડ હોય છે. જેથી અલગ નર છોડ રાખવાની જરૂર પડતી નથી. ફળ લંબગોળ, ફળનો માવો દળદાર, મનપસંદ સુગંધવાળો અને ફળ સ્વાદમાં મીઠાં હોય છે.
૩. વોશિંગ્ટન : આ જાતના છોડ પ્રમાણમાં ઉંચા થાય છે. પાનની દાંડી જાંબુડિયા રંગની તેમજ પ્રકાંડ ઉપર જાંબુડીયા રંગની રીંગો હોય છે, જે આ જાતની વિશેષતા છે. ફળ ગોળથી લંબગોળ, મધ્યમ કદથી મોટા કદના, મીઠા, સ્વાદિષ્ટ અને સુગંધવાળાં હોય છે.ફળની ટકાઉ શકિત વધારે હોય છે.
૪. સી.ઓ-૧ : તામીલનાડુ કૃષિ મહાવિધાલય, કોઈમ્બતુર ખાતે રાંચી જાતમાંથી આ જાત વિકસાવેલ છે. છોડ પ્રમાણમાં નાના હોય છે. ફળ ગોળ અને લંબગોળ તેમજ પીળા રંગની છાલ ધરાવે છે. માવો નારંગી રંગનો હોય છે. ફળ લહેજતદાર, મીઠાં અને સ્વાદિષ્ટ હોય છે.
૫.સી.ઓ-૨ : આ જાત પણ કોઈમ્બતુર ખાતે ત્યાંની સ્થાનિક જાતમાંથી પસંદગી ધ્વારા વિકસાવેલ છે. છોડ મધ્યમ ઉંચાઈના, ફળ મોટાં, લંબગોળ, ફળ ઉપરની છાલ પીળાશ પડતી લીલી અને માવો નારંગી રંગનો હોય છે. આ જાત પેપીનના ઉત્પાદન માટે ઘણીજ સારી છે.
૬. સી.ઓ-૩ : આ જાત સી.ઓ-૨ અને સનરાઈઝ સોલો જાતોના સંકરણથી તૈયાર કરેલ છે. છોડ ઉંચા, ફળ મધ્યમ કદના, મીઠા અને સારી ટકાઉશક્તિવાળાં હોય છે.
૭. સી.ઓ-૪ : આ જાત સી.ઓ-૧ અને વોશિંગ્ટન જાતના સંકરણથી ઉત્પન્ન કરેલ છે. ફળ મોટા, માવો દળદાર, પીળા રંગનો અને મીઠો હોય છે. ફળની ટકાઉ શકિત સારી છે. આ ઉપરાંત સી.ઓ-૫,૬ અને ૭ જાતો પણ વિકસાવવામાં આવેલ છે.
૮. પુસા ડેલીસીયલ : પ્રાદેશિક સંશોધન કેન્દ્ર પુસા, બિહાર ખાતેથી બહાર પાડેલ જાત છે. આ જાતમાં માદા અને ઉભયલીંગી છોડ હોય છે. ફળ મધ્યમ કદના અને માવો ઘેરા નારંગી રંગનો, ખુબ સ્વાદિષ્ટ અને મીઠી સુગંધવાળો હોય છે.
આ ઉપરાંત પપૈયાંની અન્ય સારી જાતમાં પુસા જાયન્ટ, પુસા ડવાર્ફ, સનરાઈઝ સોલો, રાંચી, પપૈયા પંત ૧, ૨ અને ૩ નો સમાવેશ થાય છે. તાજેતરમાં તાઈવાનની રેડ લેડી-૭૮૬ નામની પપૈયાંની જાતની ખેડૂતભાઈઓ ખેતી કરે છે. આ જાત શરૂઆતમાં સંતોષકારક જણાય છે પરંતુ પાછળની અવસ્થામાં વિષાણું જન્ય રોગની અસર જોવા મળે છે આ ઉપરાંત ગુલાબી રંગનો માવો ધરાવતી પપૈયાની જાત સૂર્યા પણ વાવેતરમાં આવી છે.
પપૈયાનું સંવર્ધન :
પપૈયાની ખેતી સામાન્ય રીતે બીજથી છોડ તૈયાર કરી કરવામાં આવે છે. પાક પરપરાગીત હોવાના કારણે શુધ્ધ બીજ જાતે ઉત્પન્ન કરી લેવું જાઈએ. આ માટે પપૈયાની કોઈ સારી વાડીમાં જેનું ઉત્પાદન સારૂ હોય, ફળ થડના નીચેના ભાગથી બેસતાં હોય ખાવામાં મીઠાં હોય, માવો દળદાર અને મનપસંદ સુગંધવાળો હોય તેવા છોડ પરથી પસંદ કરેલ ફળોનું બીજ એકઠું કરી, રાખમાં ભેળવી સવારના સૂર્યના તાપમાં સુકવવું. બીજને પારાયુકત દવાનો પટ આપવો અને હવાચુસ્ત ડબ્બામાં ભરી સંગ્રહ કરવો. એક જ માસમાં બીજનો વાવેતરમાં ઉપયોગ કરી લેવો. બીજની સ્ફુરણશકિત લાંબો સમય જાળવી રાખવી હોય તો ૧૦°સે. ઉષ્ણતામાને સંગ્રહ કરવો.
કયારામાં પપૈયા નો છોડ તૈયાર કરવાની રીત:
- છોડ ઉછેર માટે ૩ મીટર લાંબા અને ૧.૨ મીટર પહોળા, ૧૫સે.મી ઉંચા ગાદી કયારા તૈયાર કરવા. આ કયારામાં જુલાઈ માસમાં બે હાર વચ્ચે ૧૫ સે.મી. અને હારમાં બે બીજ વચ્ચે ૨.૫ થી ૪ સે.મી. અંતર રાખી, ૧ સે.મી. ઉંડાઈએ બીજ વાવી દેવાં બીજ વાવ્યા બાદ માટી અને છાણીયા ખાતરના મિશ્રણ વડે હારો પુરી દઈને તુરંત જ ઝારા વડે પાણી આપવું બીજ ૧૫ થી ૨૦ દિવસ બાદ ઉગી જાય છે. માટે ૩૦૦ થી ૪૦૦ ગ્રામ બીજ પુરતાં થઈ રહે છે. વાવવા માટે તાજા બીજ વાપરવા. અંદાજે ૪ થી ૬ પાન ધરાવતું અને ર૦ સે.મી. ઉંચુ અને છ અઠવાડીયાંની ઉમર વાળું છોડ વાવવા લાયક ગણાય છે.
પ્લાસ્ટીકની કોથળીમાં પપૈયા નો છોડ તૈયાર કરવાની રીત
- પ્લાસ્ટીક કોથળી (૧૫ × ૧૦ સે.મી.)માં પણ કોથળી દીઠ ૧ થી ૨ બીજ વાવીને છોડ ઉછેરી શકાય છે. આ પધ્ધતિ દૂર ના અંતરે છોડ ફેરવવા માટે થણી ઉત્તમ છે.
પપૈયાની ખેતી માટે છોડની રોપણી
- રોપણી માટેની જમીન અગાઉ ખેડી, સમતલ કર્યાબાદ ૨.૫ × ૨.૫ મીટરના અંતરે ૩૦ × ૩૦ × ૩૦ સે.મીના ખાડા કરવા. ખાડા ૭ થી ૧૦ દિવસ તપવા દઈ સરખા ભાગે છાણિયું ખાતર અને માટીથી ભરી દેવા અને ધરૂ તૈયાર થયે ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં આ ખાડામાં ૨-૩ છોડની રોપણી કરવી. રોપણી માટે લગભગ ૨૨ સે.મી.ની ઉંચાઈના વધુ તંતુ મૂળવાળા રોપ પસંદ કરવા. રોપણી કરતી વખતે અથવા છોડને ફેરવતી વખતે તેના થડ ઉપર બિલકુલ દબાણ ના આવે તે અંગે ખાસ કાળજી લેવી. નહીતર થડની જે જગ્યાએ દબાણ આવ્યુ હશે ત્યાંથી છોડ ભાંગી જશે. જો છોડ કયારામાં ઉછરેલા હોય તો છોડ હાથથી ખેંચીને નહીં ઉપાડતા ખૂરપાથી સાવચેતી પૂર્વક ઉપાડવા તેમજ ઉપર ટોચના ૨-૩ પાન રહેવા દઈ બાકીના પાનનું ડીટું રહેવા દઈ કાતરથી કાપી નાખવા જેથી છોડમાંથી ભેજ ઉડી જતો અટકાવી શકાય.
પપૈયાની ખેતીમાં ખાતરો કેવી રીતે આપવા ?
- પપૈયાના પાકને છાણિયુ તેમજ રાસાયણિક ખાતરો પુરતા પ્રમાણમાં અને સમયસર છોડ દીઠ આપવા. એટલે સ્થાનિક ઉપલબ્ધ ખાતરો અને તેમાં રહેલા પોષક તત્વોના સપ્રમાણમાં ખાતરો આપવાં જાઈએ. ખાતરો થડથી ૧૫-૨૫ સે.મી. દૂર અને ૧૫ સે.મી. ઉંડાઈ સુધીમાં આપવાં, ત્યારબાદ તુરત જ પાણી આપવું શકય તેટલા વધારે સેન્દ્રિય ખાતરો વાપરવા અને તે મુજબ રાસાયણિક ખાતરો ઘટાડવા.
પપૈયાની ખેતીમાં પિયત કેવી રીતે આપવુ ?
- પપૈયાની ખેતીમાં પિયત વ્યવસ્થા ખાસ ધ્યાને લેવી. પપૈયાના છોડની શાકીય પ્રકૃતિ હોઈ વધારે પડતું પાણી આપવું નહિ. સામાન્ય રીતે ઉનાળામાં દર ૬-૮ દિવસે અને શિયાળામાં દર ૧૦-૧૨ દિવસના અંતરે પાણી આપવું હિતાવહ છે. પપૈયાંમાં ટપક પધ્ધતિથી પીયત આપવું વિશેષ અનુકુળ છે જેનાથી છોડને પ્રમાણસર એક સરખો ભેજ મળે છે અને પાણીનો બચાવ થાય છે.
પપૈયાની ખેતીમાં આંતરખેડ અને નિંદામણ દુર કેવી રીતે કરવુ ?
- પાકને નિંદણ મુકત રાખવા માટે જરૂર પ્રમાણે આંતરખેડ, ગોડ અને નિંદામણ નિયમિત કરતા રહેવું. થડે સાધારણ માટી ચઢાવવી. મુખ્ય થડ ખુલ્લુ રહે તેવી રીતે માટી ચઢાવવી, જેથી પાણી સીધુ થડના સંપર્કમાં ન આવે અને થડનો કોહવારાના રોગ આવવાની શકયતા ઘટાડી શકાય.
પપૈયાના ફળ કેવી ઉતારવાં ?
- સામાન્ય રીતે રોપણી પછી ૧૦ થી ૧૨ માસ બાદ ફળ ઉતારવાની શરૂઆત થાય છે. જયારે ફળનો રંગ ઘેરો લીલામાંથી આછો લીલો થાય, ફળ ઉપર કોઈક જગ્યાએ પીળાશ પડતો પટો જોવા મળે અને નખ મારતાં દૂધના બદલે પાણી જેવું પ્રવાહી નીકળે તો ફળ ઉતારવા લાયક ગણાય છે. ફળ તૈયાર થાય તેમ તેને હાથથી ઉતારી છાંયામાં એક પછી એક ઉભા રાખી ગોઠવવા. ગ્રેડીંગ અને પેકીંગ કરતી વખતે નાના-મોટાં નુકશાન પામેલા તેમજ રોગીષ્ટ ફળોનું અલગ-અલગ વર્ગીકરણ કરવું. ફળોના પેકીંગ માટે વાંસના ટોપલા કે પ્લાસ્ટીક કેરેટમાં નીચે પરાળ, કાગળ અથવા પપૈયાના પાન પાથરી તેના પર ચોકકસ સંખ્યામાં ફળ ગોઠવી અને બજારમાં વેચાણ માટે મોકલવા.
પપૈયાના ફળ રીતે પકવવવા ?
- ફળો પકવીને વેચવાના હોય તો ફળોનું વર્ગીકરણ કરી ઉભા ગોઠવી, ઉપર પરાળ નાખી કંતાન પાથરી દેવું. આ રીતે ૩-૪ દિવસમાં પપૈયા પાકી જાય છે.
પપૈયાની ખેતીમા ઉત્પાદન
- ઉત્પાદનનો આધાર જાત, માવજત, જમીનનો પ્રકાર તેમજ પાણીનો પ્રકાર અને હવામાન ઉપર છે. પરંતુ સામાન્ય રીતે છોડ દીઠ ૨૦-૩૦ કિલો અને હેકટર દીઠ અંદાજે ૩૦ થી ૪૦ ટન ફળનું ઉત્પાદન મળે છે.
પપૈયાની ખેતીનુ અર્થકરણ
- પપૈયાની ખેતીમાં હેકટરે ૪૦,૦૦૦ ખર્ચની સામે ફળના વેચાણના ટનના રૂા. ૩૦૦૦/- મુજબ સરેરાશ ૩૫ ટન ઉત્પાદન ગણતાં હેકટરે રૂા. ૧,૦૫,૦૦૦/-ની આવક થાય છે આમ હેકટરે પાંસઠ હજાર રૂપિયા નફો મેળવી શકાય છે.
પપૈયાની સફળ ખેતી માટેના ચાવીરૂપ મુદ્દાઓ:
૧. સારા નિતારવાળ, સેન્દ્રિય તત્યથી ભરપુર ફળદ્રુપ જમીન પસંદ કરવી.
- પપૈયાના બીજ ખાત્રીવાળા અને પસંદગીની જાતનાં મેળવવાં અથવા જાતે બીજ તૈયાર કરવું
- પોલીથીલીનની કોથળીમાં યોગ્ય સમયે ધરૂ ઉછેરવું અને કાળજીપૂર્વક રોપણી કરવી.
- ઓછા દિવસના અંતરે માફકસરનું પાણી આપવું.
- ભલામણ પ્રમાણેનાં ખાતરો સમયસર આપવાં.
- પાક સંરક્ષણ અંગે ભલામણ મંજબ સમયસર પગલાં લેવાં.